એક વાક્ય છે આ બુક માં કે,
"રસ્તા પર પડેલી કેળાની છાલ જોઈને લપસી જવાનો વિચાર આવે અને તેમ છતાં એ કેળાની છાલ પર પગ મુકવાનું મન થાય તો એનો અર્થ એ નથી કે વ્યક્તિ મુર્ખ છે એ વ્યક્તિ કોઈ પુરુષ પણ હોઈ શકે છે."
આ બુકમાં વાત છે પ્રેમની,પુરુષની જરૂરિયાતોની ,સમાજના બંધનમાં બંધાયેલા એવા દરેક માણસની જે આજુબાજુમા આટલા બધા લોકો હોવા છતાં એકલો છે. નિમિત્ત ઓઝા એ સરસ વાત કરી છે કે
“વધતી ઉંમરની સાથે કરચલીઓ ફરજિયાત હોય છે , એકલતા નહીં . પ્રેમ કરવા માટે કોઈ એજ લિમિટ કે ટાઇમ લિમિટ નથી હોતી . પચાસની ઉંમર વટાવી ચૂકેલા પુરુષને પણ પ્રેમમાં પડવાનો એટલો જ અધિકાર છે , જેટલો અધિકાર એક વીસ યુવાનને ”
પિતા થવું એટલે શું પોતાના પુરુષ હોવાના ગુણધર્મમાંથી રાજીનામું આપવું ? ના જરા પણ નહીં.પિતા હોય તોપણ પુરુષ,પુરુષ તો રહે જ છે. પ્રેમ એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે.દીકરી પ્રેમ કરે જ છે,પણ દીકરીના હેતમાં અને ગર્લફ્રેન્ડના પ્રેમમાં ફરક હોય છે.ગર્લફ્રેન્ડનો સ્પર્શ જે આપી શકે છે,તે દીકરી નો સ્પર્શ નથી આપી શકતો.માતા અથવા પિતા બેમાંથી એક એકલા પડે,પછી પણ ફક્ત માતા કે પિતા નથી રહેતા.તેમનું અલગ અસ્તિત્વ હોય છે.તેમને પણ જરૂરિયાતો હોય છે.સમાજ શું કહેશે ? અમે તો હંમેશા છીએ જ ને,એ બધી પોકળ વાતો છે .આ વસ્તુ દરેક દીકરા અને દીકરીએ સમજવા જેવી છે.ઉંમર વધવા સાથે કંઈ જીવવાનું છોડી દેવાનું હોતું નથી.આવું જ કંઈક આ બુકમાં એક વાક્યમાં વાંચ્યું હતું.
"60 વર્ષ થાય એટલે માણસને જીવવાનું છોડી દેવાનું અમી ? આ જ ઉંમર છે જીવવાની . જ્યારે તમે બધી ચિંતામાંથી , બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા હોવ , એ જ સમય હોય છે મુઠ્ઠીઓ ખોલી હાથ ફેલાવીને જિંદગીને ગળે મળવાનો . એ સમય હોય છે અધૂરાં સપનાઓને પૂરાં કરવાનો ."
શું કામ 60 ની ઉંમરે સપનાઓ ના હોય ? શું કામ 60 ની ઉંમરે પ્રેમ ના થાય ? પ્રેમ કરવા માટે ખરેખર કોઈ ઉંમરનો બાધ નથી હોતો .
"વર્ષો વધવાની સાથે ઉંમર નથી વધતી . જિંદગીને ભરપૂર જીવી લેવાની ઇચ્છાઓ ઘટતી જાય ત્યારે ઉંમર વધે છે ."
દરેક વસ્તુનું,દરેક લાગણીનું ખુબ સરસ રીતે આલેખન કરવામાં આવ્યું છે ડૉક્ટર નિમિત્ત ઓઝા દ્વારા.એ પછી બાપ - દીકરીના સંબંધ હોય કે પપ્પાના ગર્લફ્રેન્ડ સાથેના ! ઈમોશનલ નીડની વાત હોય કે ફિઝિકલ નીડની વાત હોય. માણસને ઉંમર વધવાની સાથે ફિઝિકલ નીડ્સ ઘટે એ પણ જરૂરી નથી અને પ્રેમ તો કોઈ પણ ઉંમરે થઇ શકે . "પ્રેમ એ કોઈ GPSC ની ઍક્ઝામ કે જેની વયમર્યાદા હોય." અને છેલ્લે , મને આ બુકમાંથી ખૂબ જ સ્પર્શી ગયું તે વાક્ય... "પ્રેમ એટલે પોતાનું અસ્તિત્વ ગુમાવીને પણ કોઈને બિનશરતી ચાહવાની કુદરતી ઘટના."
No comments:
Post a Comment